આઝાદી માટે શહિદ થયેલા વીર ક્રાંતિકારીઓને અપાઈ વીરાંજલી

Rate this post

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાયો. પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે હજારો નગરજનોની ઉપસ્થિતિમાં આ મલ્ટીમીડિયા શૉ થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરતાં આ કાર્યક્રમ થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની એક અનોખી જ્યોત પ્રજ્વલિત થશે. અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર અને તેમના સિતમોનો બદલો લેવા કે તેઓને ભાન કરાવવા માટે જાનની બાજી લગાવી દેનાર તમામ સપૂતોને આજના દિવસે યાદ કરવા જોઈએ. મા ભારતીના અમર સેનાનીઓના હિંમત અને પરાક્રમની કહાની દેશને હંમેશા પ્રેરીત કરતી રહેશે.

પાટણની ઐતિહાસિક ધરા પરથી સૌપ્રથમ વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરી ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવી. પ્રસિદ્ધ સાહિત્યકારશ્રી સાંઈરામ દવે અને તેમની ટીમના 100 જેટલા કલાકારો દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા ઝાંસીની રાણીથી લઈ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂ સહિતના નામી-અનામી સ્વાતંત્ર્યવીરોની રાષ્ટ્રભાવનાની વાત રજૂ કરવામાં આવી.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, જિલ્લા સંગઠનના આગેવાન સર્વશ્રી દશરથજી ઠાકોર, કે.સી.પટેલ, બળવંતસિંહ રાજપૂત, ગોવિંદભાઈ પટેલ, રણછોડભાઈ દેસાઈ, ભાવેશભાઈ પટેલ, કિશોરભાઈ મહેશ્વરી, જયરાજસિંહ પરમાર, મોહનભાઈ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ-હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભરત જોષી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્ર પટેલ સહિતના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *