જુના મોબાઈલ ફોન અને સિમકાર્ડ વેચનાર વેપારીઓએ ગ્રાહકોની વિગતો દર્શાવતું રજીસ્ટર નિભાવવું ફરજીયાત
આતંકવાદી પ્રવૃત્તિ આચરતા ઈસમો આવા ગુના આચરવા માટે જૂના મોબાઇલની ખરીદી કરતા હોવાનું અને આવા કૃત્યને અંજામ આપી આવા મોબાઈલ ફોન બંધ કરી દે અથવા તો વેચી દેતા હોય છે. આવા ઈસમો તેમના મનસૂબામાં કામયાબ ન બને તેમ જ કોઈ વ્યક્તિઓ મોબાઇલ કે સીમ કાર્ડ વગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઈપણ ઓળખકાર્ડ વગર લેનાર કે વેચનારની જવાબદારી નક્કી કરવા બાબતે મોબાઈલના વેપારીઓને રજીસ્ટર રાખવા સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પાટણ પોલીસ અધિક્ષકશ્રીના પત્ર અનુસાર હાલની પ્રવર્તમાન આતંકવાદના સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત તથા મોડાસા વગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ જેવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે તેમજ ગુપ્તચર સંસ્થાઓએ વાઈટલ ઈન્સ્ટોલેશન અને અગત્યના ધાર્મિક સ્થળો, મંદિરો પર હુમલાના ભયની શક્યતા દર્શાવેલ છે. પાટણ જિલ્લામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, સિધ્ધપુર તેમજ શંખેશ્વર જૈન દેરાસર, વરાણા ખોડિયાર માતાજીનું મંદિર તથા પાટણ ખાતે રાણીની વાવ, સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલય જેવા પ્રસિદ્ધ સ્થળો તથા વાઈટલ ઈન્સ્ટોલેશન સ્થળો આવેલ છે. આવા સંજોગોમાં પાટણ જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્યો કરવાનો ઇરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ જાહેર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી ગુનાહિત પ્રવૃતિ અટકાવી આવશ્યક છે. આવા બનાવોની તપાસ દરમિયાન એવું ફલિત થાય છે કે આવા આતંકવાદી પ્રવૃત્તિ આચરતા ઈસમો આવા ગુના આચરવા માટે જૂના મોબાઇલની ખરીદી કરતા હોવાનું અને આવા કૃત્યને અંજામ આપી આવા મોબાઈલ ફોન બંધ કરી દે અથવા તો વેચી દેતા હોય છે. તેમજ હાલનો યુવાવર્ગ જુના મોબાઇલ લે વેચના ધંધામાં રચ્યાપચ્યા રહેતા હોઈ આવી ગુનાહિત પ્રવૃત્તિમાં અજાણપણે સંડોવાઈ જતા હોય છે. ગુનેગાર ઇસમો ઘરફોડ ચોરીઓ, લૂંટ, ધાડ, ચીલઝડપ વગેરે જેવા ગુનાઓમાં પણ મોબાઇલ ફોન ચોરી કે લૂંટમાં મેળવી બજારમાં વેચી દેતા હોવાનું ભૂતકાળમાં બનેલા બનાવો પરથી જણાઇ આવ્યું છે. તે માટે જૂના મોબાઇલ ફોનની લે-વેચ કરતા દુકાનદારો ઉપર નિયંત્રણ મુકવું જરૂરી છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે તેમણે કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે. જે મોબાઇલ ખરીદનાર અને વેચનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલા હોવાની માહિતી હોતી નથી અને મોબાઇલ ટ્રેકિંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચે ત્યારે એવું જાણવા મળે છે કે મોબાઈલ કોઈ અજાણી વ્યક્તિએ તેમને આપેલ છે અને પોતે તેને ઓળખતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી તપાસમાં કોઈ ફળદાયી હકીકત મળતી નથી આવી તમામ પરિસ્થિતિને અનુલક્ષીને આવા ઈસમો તેમના મનસૂબામાં કામયાબ ન બને તેમ જ કોઈ વ્યક્તિઓ મોબાઇલ કે સીમ કાર્ડ વગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઈપણ ઓળખકાર્ડ વગર લેનાર કે વેચનારની જવાબદારી નક્કી કરવી અને પ્રસ્તુત બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચી સાચા આરોપીઓને શોધી કાઢવા માટે જૂના મોબાઇલના વપરાશ કરે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ છે? અથવા તો જૂનો મોબાઈલ કોને વેચેલ છે? તે જાણવું જરૂરી જણાય છે તે માટે પણ જૂના મોબાઇલ ફોનથી લે-વેચ કરતા દુકાનદારો ઉપર નિયંત્રણ મુકવું જરૂરી છે
પાટણ પોલીસ અધિક્ષકશ્રી તરફથી રજૂ થયેલા અહેવાલની વિગતે ગુજરાતમાં આતંકવાદી હુમલાની સંભાવના અને ગુપ્તચર સંસ્થાઓ તરફથી અવારનવાર માહિતી અનુસંધાને તેમજ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર પાટણ જિલ્લામાં આતંકવાદી બનાવો અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર આવી બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી અતિ આવશ્યક હોઈ તે માટે નીચે મુજબનો હુકમ બહાર પાડવો ઇષ્ટ જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જે મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ફરમાવવામાં આવ્યું છે કે, પાટણ જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જૂના કે નવા મોબાઈલ ફોન ગ્રાહક પાસેથી ખરીદ કે વેચાણ કરે તો જે તે ગ્રાહકનું પૂરેપૂરું નામ, સરનામું તથા આઈ.ડી. પ્રૂફ ફરજીયાત મેળવવાનું રહેશે. પાટણ જિલ્લામાં જુના મોબાઇલ ફોનની ખરીદી કે વેચાણ કરતા દુકાનદારે આ અંગે જરૂરી માહિતી નીચે મુજબના અલગ-અલગ રજીસ્ટર નિભાવવાના રહેશે. તેમજ પાટણ જિલ્લામાં નવા સિમકાર્ડ વેચાણ કરતી વખતે નીચે મુજબના કોલમનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા સીમકાર્ડ ખરીદનારના આઈ.ડી. પ્રૂફની નકલ મેળવવાની રહેશે.
આ ઉપરાંત જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ જુના મોબાઈલ લેતા પહેલાં મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું નામ, સરનામું નોંધવું ફરજિયાત બનાવવામાં આવે તે માટે નીચે દર્શાવ્યા મુજબના કોલમ સહિતના અલગ-અલગ રજીસ્ટર નિભાવવાના રહેશે.
જુના મોબાઈલ ખરીદતી કે વેચતી વખતે વેપારીએ (૧) ક્રમ, (૨) મોબાઈલ કંપનીની વિગત/કંપની, (૩) આઈ.એમ.આઈ. નંબર, (૪) મોબાઈલ વેચનાર કે ખરીદનારનું નામ સરનામું, (૫) આઈ.ડી. પ્રૂફની વિગત તથા નવું સિમકાર્ડ વેચતી વખતે (૧) ક્રમ, (૨) સિમકાર્ડની વિગત કંપનીનું નામ, (૩) સિમકાર્ડ નંબર, (૪) સિમકાર્ડ ખરીદનારનું નામ સરનામું, (૫) સિમકાર્ડ ખરીદનારના આઈ.ડી. પ્રૂફની વિગત, (૬) સિમકાર્ડ ખરીદનારની સહી જેવી વિગતો સાથેના રજીસ્ટર નિભાવવાના રહેશે. આ વિગતો દર્શાવતા રજીસ્ટરો દુકાનદારે પાંચ વર્ષ સુધી જાળવવાના રહેશે.
વધુમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, કોઈપણ વ્યક્તિ દ્વારા મોબાઈલ, સિમકાર્ડ કે હેન્ડસેટ વિગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર વગર લે-વેચ કરવામાં આવશે તો તે માટે આવા લેનાર કે વેચનારની પણ અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે.
આ હુકમ તા.૨૪.૦૫.૨૦૨૨થી તા.૨૨.૦૭.૨૦૨૨ સુધી બંને દિવસો સુદ્ધાંત અમલમાં રહેશે. જે અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપર નો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.