જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખનાર વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે: રાજ્યપાલ શ્રી

Rate this post

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સુવર્ણચંદ્રક અને ડી.લીટ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે તે વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે.

રાજ્યપાલશ્રીએ તૈતરિય ઉપનિષદનો ઉલ્લેખ કરી દીક્ષાંત સમારોહ સમયે ગુરુ પોતાના શિષ્યને ઉપદેશ આપે છે તેને અનુસરી સત્યના માર્ગ પર પોતાના કર્તવ્ય ધર્મનું પાલન કરી સતત સ્વાધ્યાયરત રહેવા વિદ્યાર્થીઓને શીખ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વેદમાં વિદ્યાના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે જેમાં પરંપરાગત શિક્ષણને અવિદ્યા કહેવાઇ છે. જ્યારે જીવનદર્શન શીખવતા અધ્યાત્મને વિદ્યા કહેવાઇ છે. કોઈપણ વ્યક્તિ આ પરંપરાગત શિક્ષણ અને અધ્યાત્મજ્ઞાન એમ બંને વિદ્યા દ્વારા જ જીવનના ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે-સફળ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે જે શિક્ષણ બીજાની પીડાનું આત્મજ્ઞાન કરાવે તે સાચું શિક્ષણ છે. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, માનવતાથી મોટો કોઇ ધર્મ નથી અને વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, અધિકારોની વાત કરીએ ત્યારે કર્તવ્યધર્મનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહ પ્રસંગે રાષ્ટ્ર-સમાજના ઉત્કર્ષ માટે સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કરી જળસંચય, પર્યાવરણ રક્ષા, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ વગેરે ક્ષેત્રે યત્કિંચિત યોગદાન આપવા આગ્રહપૂર્વક જણાવ્યું હતું.

મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સુવર્ણ પદક એનાયત સમારોહ યોજાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને લાઇફ કોચ ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી તથા પ્રખર શિક્ષણવિદ ડૉ. મફતલાલ પટેલને મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે ડી.લીટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2019 ના 37 તથા વર્ષ 2018 ના 01 મળી વિવિધ વિદ્યાશાખાના કુલ 38 વિદ્યાર્થિઓને સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનવત્સલ સ્વામી તેમજ શિક્ષણવિદ મફતભાઈ પટેલને યુનિવર્સિટી દ્વારા ડીલીટની માનદ પદવી એનાયત કરાઇ હતી. રાજ્યપાલશ્રીએ બંને સારસ્વત મિત્રોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વ્યક્તિ પદવીથી મહાન બનતી હોય છે પરંતુ મહાન વ્યક્તિને જ્યારે માનદ પદવી એનાયત થાય છે ત્યારે એ પદવીનું ગૌરવ અને ગરિમા વધે છે. રાજ્યપાલશ્રીએ આ અવસરે પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

ડી.લીટની માનદ પદવી બદલ આભારની લાગણી વ્યક્ત કરી ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ ઉમેર્યું કે, મુંડકોપનિષદ મુજબ અપરા વિદ્યા કે જેનાથી જીવન નિર્વાહ થાય છે અને પરા વિદ્યા જેનાથી જીવવાના ઉત્તમ વિચાર અને અભિગમ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓએ આ બંને વિદ્યાઓને આત્મસાત કરી વ્યક્તિગત જીવન સફળ બનાવવા સાથે સમાજસેવામાં પણ યોગદાન આપવાનું છે.

ફ્રાન્સની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હડતાલનો કિસ્સો ટાંકી શિક્ષણવિદ ડૉ. મફતલાલ પટેલે જણાવ્યું કે, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ અને લોકશાહીની જેમ માનવવાદ પણ જરૂરી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત નવી શિક્ષણ નીતિ થકી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ ઉપરાંત માનવીય મૂલ્યોની પણ તાલીમ અપાશે.

આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરતા કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, સમાજજીવનના નિરીક્ષણ દ્વારા શિક્ષણને નવી દિશા આપનાર બે યોગ્ય મહાનુભાવને પદવી એનાયત કરવામાં આવી છે. તેમની જેમ જ સુવર્ણ પદક મેળવનાર વિદ્યાર્થીઓ નિરીક્ષણ શક્તિ દ્વારા હકારાત્મક બાબતો શોધી, તેની ત્રુટીઓ દૂર કરી આચાર, વિચાર અને વ્યવહારમાં મુકી સમાજ ઘડતરમાં ઉપયોગી બની શકે છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા વક્તા, લાઇફ કોચ અને ૧૫ હજારથી વધુ લેક્ચર દ્વારા લાખો લોકોને પ્રેરણારૂપ ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી અને સાહિત્ય વાચસ્પતિ રાષ્ટ્રભાષા રત્ન જેવી અનેક ઉપાધિઓથી નવા જાયેલા ડૉ. મફતલાલ પટેલ ને રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ડિ.લીટની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ ગૃહરાજ્યમંત્રીશ્રી રજનીભાઇ પટેલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. જે.જે. વૉરા, કુલસચિવશ્રી આર.એન. દેસાઈ, ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી ડી.એમ. સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજયભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી સચિન કુમાર, યુનિવર્સિટીના ઇ.સી. મેમ્બર્સ, પ્રાધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *