વિદ્યાર્થિનીઓના જીવ પડીકે બંધાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે નાના વડાળા ગામમાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ગામના કોઝવે પરથી ખાનગી શાળાની બસ તણાઈ હતી. બસમાં સવાર 8 વિદ્યાર્થિનીઓ અને બે શિક્ષકોના જીવ પડીકે બંધાયા હતા. ગામલોકોને જાણ થતા ગામલોકોએ બસમાં સવાર વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોનું રેસ્ક્યૂ કર્યું હતું.
નાના વડાળા ગામના કોઝવે પરથી ખાનગી શાળાની બસ તણાઈ જતા બસમાં સવાર વિદ્યાર્થિનીઓ જીવ બચાવવા બસની માથે બેસી ગઈ હતી. તમામ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને બચાવવા માટે ગામલોકો અને ફાયરબ્રિગેડ દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નાના વડાળા ગામમાં કોઝવે પરથી જ્યારે બસ તણાઈ ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીની વચ્ચે ફસાયેલી બસ સુધી પહોંચવું મુશ્કેલ હતું. જેથી ગામલોકો અને ફાયરબ્રિગેડ દ્વારા દોરડાની મદદથી બસને બાંધી દેવામાં આવી હતી. જેથી પાણીના પ્રવાહમાં બસ આગળ તણાઈ ન જાય. બસમાં સવાર વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો બસ પર બેસી જતા ગામલોકોએ દોરડાની મદદથી તમામને ઉગારી લીધા હતા.