પાટણનાં સમી તાલુકામાં પહોંચ્યો વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ
પાટણના ગુજરવાડા ગામે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન કરાયું
કલેકટરશ્રીના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે હેઠળ પાટણ જિલ્લામાં પણ બે દાયકાની વિકાસ યાત્રાનું પ્રદર્શન કરતા બે રથ ગામે ગામ ખૂંદી ગુજરાતની 20 વર્ષની વિકાસ ગાથાનું પ્રદર્શન કરી રહ્યા છે. જે અન્વયે આ રથનું સમી તાલુકાના ગુજરવાડા ગામે આગમન થયું હતું.
ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં હાલમાં વિકાસના ૨ રથ ગામે ગામ ફરીને લોકોને ૨૦ વર્ષના ગુજરાતનાં વિકાસની ગાથાનું પ્રદર્શન કરી રહ્યાં છે. જે ગામોમાં વિકાસનાં રથ જઇ રહ્યાં છે, ત્યાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટણનાં સમી તાલુકાનાં ગુજરવાડા ગામે વંદે ગુજરાત વિકાસ રથ પહોંચ્યો હતો અને અહી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરવાડા ગામે આયોજીત વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમમાં કલેકટરશ્રીના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાત્રી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વહીવટી તંત્રના અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.ગ્રામ જનો તેમજ આગેવાનોએ આ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગ્રામ જનોએ તેમજ બાળકોએ ગરવી ગુજરાતની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.
૨૦ વર્ષ વિશ્વાસના, ૨૦ વર્ષ વિકાસના, વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત પાટણ જિલ્લામાં ૫ મી તારીખથી વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.૫ થી ૧૯ જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસનો રથ લોકકલ્યાણ માટે ફરશે. છેલ્લાં ૪ દિવસથી વંદે ગુજરાતનો આ વિકાસ રથ ગામે ગામે ફરી રહ્યો છે અને ગ્રામજનો પણ વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરી રહ્યાં છે.