આજથી પાટણમાં જિલ્લા કક્ષાની વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ

Rate this post

આજના બાળકને ૨૫ વર્ષ પછી કેવું ભારત આપવું એ આપણાં હાથમાં છે: અરવિંદભાઇ રૈયાણી

મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીનાં અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લામાં ૧૫ દિવસના વંદે ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ

સમગ્ર રાજ્યમાં આજથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ થયો છે. વંદે ગુજરાત વિકાસયાત્રા થકી ગુજરાત સુશાસનનાં ૨૦ વર્ષની ઉજવણી કરી રહયું છે. રાજ્યના પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને આજથી એ.પી.એમ.સી. ખેડૂત ભવન હોલ ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. પાટણ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.૫ થી ૧૯ જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસનો રથ લોકકલ્યાણ માટે ફરશે.

કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યના પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ કાર્યક્રમનો શુભારંભ કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસના કામો જનતાના ધ્યાનમાં આવે તે માટેના પ્રયાસ રાજ્યસરકાર કરી રહી છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સુઝબુઝથી જ આજે ગુજરાત અને આખો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. આજે રાજ્યસરકાર લોકોની વચ્ચે જઈને કાર્ય કરી રહી છે અને એટલે જ આજે આપણે 20 વર્ષ વિશ્વાસના, 20 વર્ષ વિકાસના આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આજે અનેક યોજનાઓ થકી દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. પહેલા ગામડામાં લાઈટ જતી રહેતી હતી અને આજે જ્યોતિગ્રામ યોજના થકી ઘરે-ઘરે વિજળી પહોંચતી થઈ છે. તેથી જ આજના બાળકને 25 વર્ષ પછી કેવું ભારત આપવું તે આપણા હાથની વાત છે.

પાટણ જિલ્લામાં આજથી શરૂ થયેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રૂ. ૨૧.૮૯ કરોડના ૪૩૨ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ.૧૨.૧૬ કરોડના ૫૭૭ કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાનાર છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાનો હેતુ આઝાદી કા અમૃત મહોત્સવની પ્રતિકાત્મક ઉજવણી છે. વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત વિવિધ ૧૮ વિભાગોની યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવશે . તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય, વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નવા કામોની જાહેરાત કરવામાં આવશે.પાટણ જિલ્લામાં આજથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીને કીટ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ પહેલા મંત્રીશ્રીએ ઐતિહાસીક ધરોહર એવી પાટણની રાણકી વાવની મુલાકાત લઈને તેના બેનમુન નકશીકામને નિહાળ્યુ હતુ. ત્યારબાદ તેઓ પાટણના વિશ્વપ્રખ્યાત એવા પાટણના પટોળાને નિહાળવા માટે પટોળાહાઉસની મુલાકાત લેવા માટે પણ ગયા હતા. પટોળાહાઉસ અને રાણકી વાવની મુલાકાત લેતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, આજે મને રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લઈને આનંદ થયો છે. 900 વર્ષ જુના ઐતિહાસીક પટોળા જોવાની તક મળી તે બદલ હુ મારી જાતને ધન્ય અનુભવું છે.

આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતિ બેન મકવાણા, નગર પાલિકા પ્રમુખશ્રી સ્મિતાબેન પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ચ દિલીપકુમાર ઠાકોર, પૂર્વમંત્રીશ્રી રણછોડભાઈ રબારી, ગુજરાત ભાજપ પ્રમુખ દશરથભાઈ ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, અધિક નિવાસી કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી, તેમજ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *