૨૩ થી ૨૫ જૂન સુધી રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

Rate this post

પાટણ જીલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ૧૬ હજાર થી વધુ વિદ્યાર્થીઓ મેળવશે સરકારી શાળામાં પ્રવેશ

શાળા પ્રવેશોત્સવની ઉજવણીને અનુલક્ષીને કલેક્ટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટીનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

આગામી તા.૨૩,૨૪ અને ૨૫મી જૂને રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ‘ યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટીનાં અધ્યક્ષ સ્થાને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કોરોનાકાળને કારણે છેલ્લાં ૨ વર્ષથી શાળા પ્રવેશોત્સવ મોકૂફ રાખવામાં આવતો હતો. ત્યારે આ વર્ષે સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવનાં માર્ગદર્શન માટે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી જોડાયા હતાં. પાટણ જિલ્લાની વાત કરીએ તો આ વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવણીનાં ભાગરૂપે ૧૬ હજાર થી વધું વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ કરશે.

પાટણ ખાતે યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ શાળાઓ સહભાગી બનશે. જીલ્લા ની કુલ ૭૯૨ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે માટે ૬૪ રૂટમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બાળકોનું સ્વાગત પુષ્પ આપીને નહીં પરંતુ પુસ્તક આપીને કરાશે. જ્યારે શાળામાં નવો પ્રવેશ મેળવી રહેલી દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું પણ વિતરણ કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ દિવસે શાળામાં ખાસ તિથિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયેલાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં શિક્ષણનો પાયો મજબૂત કરવાનું કામ વડાપ્રધાનશ્રીએ શાળા પ્રવેશોત્સવ થી શરૂ કર્યું હતું. જેના ૨૦ વર્ષ બાદ આજે શિક્ષણમાં આવેલું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. જીંદગી ભર સુખી થવું હોય તો શિક્ષણ મેળવવું જરૂરી છે. શાસ્ત્રો પણ કહે છે કે સૌથી મોટું દાન વિદ્યાદાન છે. ત્રણ દિવસ સુધી ચાલનારા શાળા પ્રવેશોત્સવનો હેતુ સિદ્ધ થાય તે માટે તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી દ્વારા શાળાના શિક્ષણને લગતી તમામ બાબતો ને ધ્યાનથી રિસર્ચ કરીને તેની વિગતો આપવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે પહેલાની સરખામણીમાં હવે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. પ્રાથમિક શિક્ષણ પણ ગુણવત્તાસભર થયું છે. શિક્ષણ અંગેની જાગૃતિ લાવીને લોકો આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે કોઇપણ વર્ગ શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. છેલ્લાં ૨૦ વર્ષથી રાજય સરકાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરી ખૂબ સારૂં પરિણામ રાજ્ય સરકારે મેળવ્યું છે.

શાળા પ્રવેશોત્સવની તૈયારીના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જીલ્લા પોલીસ વડા વિજય પટેલ તેમજ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *