વેકેશનમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી રાણકી વાવ

Rate this post

માત્ર એક જ મહિનામાં 49 હજાર જેટલા પ્રવાસીઓએ લીધી રાણકી વાવની મુલાકાત

ઉનાળાના વેકેશન દરમ્યાન પ્રવાસોના સ્થળો પર મુલાકાતીઓની ભીડ રહેતી હોય છે. વેકેશનના સમયગાળા દરમ્યાન સામાન્ય રીતે પ્રવાસીઓની પ્રથમ પસંદગી હિલ સ્ટેશન, વોટર પાર્ક, દરિયા કિનારો, જંગલની મુસાફરી વગેરે હોય છે. પરંતુ હવે પ્રવાસીઓની પસંદ બદલાઇ હોય તે પ્રકાર ની વિગત રાણકીવાવ માં જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં 49 હજારથી વધુ લોકોએ વેકેશન દરમિયાન રાણકી વાવને નિહાળી છે. વૈશ્વિક ઓળખ ધરાવતી રાણકી વાવ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. આજ કારણે એક માસના ટૂંકા ગાળામાં જ 49 હજારથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લઇ ઐતિહાસિક ધરોહરને અગ્રતા આપી છે.

દરેક દેશના નાગરિકને ઐતિહાસિક વારસાનું ગર્વ હોય છે. આ બાબત હવે ભારતીય નાગરિકોમાં દેખાઈ રહી છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર ઐતિહાસિક ધરોહરોને નાગરિકો જાણે તેમજ પોતાના સાંસ્કૃતિક વારસાથી નાગરિકો અવગત થાય તે માટે પ્રયત્નશીલ છે. આ જ કારણથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સો રૂપિયાની ચલણી નોટ પર ઐતિહાસિક ધરોહર અને કોતરણી કલા મામલે વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવને સ્થાન આપ્યું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાણકીવાવ આજે ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં ખ્યાતનામ બની છે. શાળા, કોલેજના વિદ્યાર્થી, રીસર્ચર અને સામાન્ય નાગરિકને પોતાના વરસાનો ગર્વ હોવાને લીધે તેઓ આવી ઐતિહાસિક ધરોહર જોવા આકર્ષાય છે.

શાળા અને કોલેજોમાં વેકેશનનો સમય છે. જેની સ્પષ્ટ અસર રાણકી વાવના મુલાકાતી ઉપર જોઇ શકાય છે. મે માસના ૩૦ દિવસના ટૂંકાગાળામાં જ 49318 પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી છે. સો રૂપિયાની ચલણી નોટ પર જ્યાર થી રાણકી વાવની પ્રતિકૃતિનું ચિત્ર આવ્યું છે તે બાદ માત્ર રાજ્યના નહીં પરંતુ અન્ય રાજ્ય તેમજ વિદેશી પ્રવાસીઓ પણ રાણકીવાવ તરફ આકર્ષાયા છે. રાણકી વાવ ની અદભુત કોતરણી કામ તેમજ તેની કારીગરીને જોવા માટે વિદ્યાર્થીઓથી લઈ યુવાનો આકર્ષાઈ રહ્યા છે.

રાણકી વાવ ની મુલાકાતે આવેલા પ્રવાસી ભૂરાભાઈએ જણાવ્યું હતું કે “રાણકી વાવના નિર્માણ સમયે થયેલા કોતર કામને નજીક થી જોવી એક અનોખી અનુભૂતિ છે. ઐતિહાસિક ધરોહર એ આપણા પૂર્વજોએ આપેલી અનોખી દેન છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ તેને જાણે તે જરૂરી છે. જેથી આપણા ઐતિહાસિક વારસાની ભવ્યતા તેઓ અનુભવી શકે. જ્યારે પ્રવાસી જીતુભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે ” કોતરણી, હરિયાળી, શાંત આહલાદક વાતાવરણ, વિદ્યાર્થીઓને, વડીલોને, યુવાનોને કંઈક સારુ શીખવા પ્રેરણા પુરી પાડે છે. પોતાની અદ્ભૂત કોતરણી કામ માટે જગ વિખ્યાત રાણકી વાવને નવી પેઢી જાણે અને માણે તે જરૂરી છે”.

સો રૂપિયાની ચલણી નોટ પર જ્યાર થી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાણકી વાવને સ્થાન આપ્યું છે તે બાદ રાણકી વાવની લોકપ્રિયતા વધી છે. તેનું જ કારણ છે કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાણકી વાવ તરફ આકર્ષાયા છે. ઐતિહાસીક વારસાના પ્રતીક સમાન રાણકી વાવ આજે પ્રવાસીઓની પ્રથમ પસંદ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *