વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મહાકાલી માતા પ્રત્યેની આગવી શ્રદ્ધા-આસ્થા
ધુમ્મસ વાળા વાતાવરણ અને વરસાદના અમી છાંટણા વચ્ચે ફીટ ઇન્ડિયાના પ્રણેતા વડાપ્રધાનશ્રી યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પગથિયાં ચડીને મહાકાલી માતા મંદિર દર્શને પહોંચ્યા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના કાલિકા માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી પાવાગઢ વડાતળાવ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર ઉતરીને સીધા જ પાવાગઢ મંદિર પરિસર જવા રવાના થયા હતા. તેઓ રોપવે દ્વારા નિયત સ્થાન સુધી પહોંચ્યા હતા, તેવા સમયે ધુમ્મસ ભર્યા વાતાવરણની સાથે વરસાદના અમી છાંટણા પણ પડી રહ્યા હતા.
તેમ છતાં, ફીટ ઇન્ડિયાના પ્રણેતા અને ઉર્જાવાન વડાપ્રધાનશ્રી યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ગતિથી મંદિરના પગથિયાઓ ચડીને માતાજીના દર્શને શ્રધ્ધાપૂર્વક પહોચ્યા હતા અને મહાકાલી માતાના પૂજન-અર્ચન-આરતી કર્યા હતા.
ત્યારબાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજાજીનું પૂજન કરી કાલિકા માતા મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાલિકા માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને રોપ-વે મારફત મંદિર પરિસરમાં પહોચ્યા પછી પણ માતાજીના દર્શન કરવા પગથીયા ચઢીને જવું પડે છે, તેવી જ રીતે વડાપ્રધાનશ્રી પણ સામાન્ય શ્રદ્ધાળુની જેમ પગથીયા ચઢીને માં ના દર્શને પહોચ્યા હતા અને માતાના દરબારમાં શીશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનશ્રી સાથે આ દર્શન-પૂજન અર્ચનમાં સહભાગી થયા હતા.