પાટણ જિલ્લાને સ્કિલ ડેવલપમેન્ટ પ્લાનિંગમાં ઉત્તમ પ્રદર્શન બદલ સર્ટીફિકેટ ઑફ એક્સલન્સ એનાયત

Rate this post

જિલ્લા કૌશલ્ય વિકાસ આયોજન ૨૦૨૦-૨૧ અંતર્ગત મિનિસ્ટ્રી ઑફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા એનાયત પ્રમાણપત્ર સ્વિકારતાં નિવાસી અધિક કલેક્ટરશ્રી

નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઑફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા પાટણ જિલ્લાને સર્ટીફિકેટ ઑફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યું છે. જિલ્લામાં કૌશલ્યવર્ધન માટે કરવામાં આવી રહેલી આયોજનબદ્ધ કામગીરીના ફલસ્વરૂપ દેશભરના ૪૬૭ પ્રતિસ્પર્ધીઓમાંથી પાટણ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતના પનોતાપુત્ર યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ ઈન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા યુવાનોના કૌશલ્યવર્ધન પર ભાર મૂક્યો છે ત્યારે પાટણ જિલ્લામાં કૌશલ્યવર્ધન દ્વારા મહત્તમ રોજગારી ઉપલબ્ધ બને તે માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ સ્કિલ ડેવલપમેન્ટ ઑફિસર અને ઔદ્યોગીક તાલીમ સંસ્થાના નોડલ ઑફિસર સુશ્રી મયુરીબેન પ્રજાપતિ, ડિસ્ટ્રીક્ટ સ્કિલ કમ્યુનિટી, એમ.જી.એન.એફ. ફેલો અને જી.એસ.ડી.એમ.ની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કીલ ડેવલપમેન્ટ પ્લાન અને તેના અમલીકરણની કામગીરીની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે.

આ ઉપલબ્ધિ મામલે જીલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિઘ ગુલાટીએ જણાવ્યું કે, પાટણ જીલ્લાને ભારત સરકાર દ્વારા જીલ્લા કૌશલ્ય વિકાસ યોજનામાં મળેલા સન્માન બદલ આનંદની લાગણી અનુભવું છું. જીલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સુચારૂ આયોજન અને કૌશલ્ય વિકાસ યોજનાના છેવાડાના લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો થકી આ બહુમાનની પ્રાપ્ત થઈ શકી છે. વડાપ્રધાનશ્રી પણ યુવાનોના કૌશલ્ય વિકાસ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે આ એવોર્ડ માટે જીલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું. કૌશલ્ય વિકાસ યોજના થકી પાટણ જીલ્લાના યુવાનો પોતાના કાર્યક્ષેત્રમાં વધુ કુશળતા કેળવે તેવી શુભેચ્છાઓ.

સંકલ્પ યોજના અંતર્ગત જિલ્લા કૌશલ્ય વિકાસ આયોજનના બીજા રાઉન્ડ હેઠળ વર્ષ ૨૦૨૦માં દેશભરમાંથી નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા. જેમાં પાટણ જિલ્લામાં ઉપલબ્ધ સંસાધનો, રોજગારની તકો અને કૌશલ્યવર્ધન માટેના આયોજન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ખેતીવાડી પર આધારિત પાટણ જિલ્લામાં કૃષિ સંલગ્ન કામગીરી અને ફિમેલ એમ્પાવરમેન્ટ ક્ષેત્રના વિકાસ માટેના આયોજનનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં દેશના ટૉપ ૩૦ જિલ્લાઓને તેમણે કરેલા આયોજનની સફળ અમલવારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવા આમંત્રિત કરાયા હતા. નીતિ આયોગના સચિવશ્રી, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડિપાર્ટમેન્ટના રાજ્યમંત્રી, આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના નિષ્ણાંતો દ્વારા આ સમગ્ર પ્રક્રિયાના વિશ્લેષણ બાદ કુલ ૩૦ જિલ્લાઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.

જિલ્લામાં ઔદ્યોગીક એકમોના અભાવે મોટાભાગના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર આધારિત છે ત્યારે કૃષિ સંલગ્ન ક્ષેત્રોના વિકાસ અને તેમાં પ્રવૃત્ત થનાર લોકોના કૌશલ્યવર્ધન ઉપરાંત નાણાંકીય સ્ત્રોતોના વ્યવસ્થાપન બદલ કેન્દ્ર સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલા સર્ટીફિકેટ ઑફ એક્સલન્સને સ્વિકારતાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડે આ પ્રક્રિયામાં સંકળાયેલ તમામનો આભાર વ્યક્ત કરી આત્મનિર્ભરતાના આ પ્રયાસને બિરદાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *