દાહોદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગૃહ રાજ્ય અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી
સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં જિલ્લાના ૭ હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેશે
ખેલાડીઓ માત્ર મહેનત કરે, બાકીની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની – મંત્રી શ્રી હર્ષ સંઘવી
રમતગમત ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ બન્યું છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનો, તાલીમ સહિતની તમામ સુવિધાઓ રમતવીરોને મળી રહી છે
જિલ્લાનાં રાષ્ટ્રીય-રાજ્ય ક્ષેત્રે જીત-મેડલ મેળવનારા રમતવીરોનું સન્માન કરાયું
ગૃહ રાજ્ય અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનો આજે પ્રારંભ કરાવ્યો છે. આ નિમિત્તે તેમણે જણાવ્યું કે, રાજ્યના ખેલાડીઓ માત્ર મહેનત કરે, બાકીની સંપૂર્ણ જવાબદારી સરકારની છે. રાજ્ય સરકાર દ્વારા તેમને તાલીમ સહિતની તમામ સુવિધાઓ પુરી પડાશે.
અહીં યોજાનારા સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લેનાર ૭ હજાર ખેલાડીઓને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચતા કરવાની નેમ છે. આ માટે દરેક જનપ્રતિનિધિને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટેની જવાબદારી સોંપી છે. સૌ જનપ્રતિનિધિ નિષ્ઠા સાથે આ જવાબદારી ઉપાડી લીધી છે.
જયદીપસિંહજીએ રમતગમત સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણયોથી દેશને રમતગમતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનારા રમતવીરો મળ્યા છે. દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનો બન્યા છે. તાલીમ સહિતની અનેક સુવિધાઓ આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરાવવામાં આવી રહ્યાં છે. ૨૦ થી ૨૫ વર્ષ અગાઉની વાત કરીએ તો ખેલાડીઓ ધૂળના મેદાનમાં રમતા હતા. અહીંની હોકી મેદાન જેવું ગ્રાઉન્ડ કોઈ વિચારી પણ શકતું નહોતું. અહીંના રમતગમત સંકુલની એ વખતની હાલત સર્વવિદિત છે. જે હવે કરોડોના ખર્ચે અદ્યતન બનાવાયું છે.
તેમણે ઉમેર્યું કે, રમતગમત ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ બન્યું છે. ગુજરાતની દીકરીઓ હરિયાણાના કુસ્તી ખેલાડીઓને હરાવીને દેશભરમાં નામ રોશન કર્યું છે. ગુજરાતની આદિવાસી દીકરીઓ મોટા મોટા શહેરોની મોંઘી તાલીમ પામેલી ખેલાડીઓને હરાવીને મેડલ જીતી રહી છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાંથી નવા ખેલાડીઓ મળી રહ્યા છે જે દેશભરમાં ઝળકી રહયા છે. આવા પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધી હાંસલ કરે એ માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ વર્ષ ૨૦૧૦ માં ખેલમહાકુંભનો પ્રારંભ કર્યો એ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા નિમિત્ત બન્યું હતું અને ખેલાડીઓને આ પ્લેટફોર્મ મળતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધીઓ મેળવી રહયા છે.
સાંસદ ખેલ સ્પર્ધાના આયોજક સાસંદ શ્રી જસવંતસિંહ ભાભોરે આ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક સંસદીય મત વિસ્તારમાં સાસંદ ખેલ સ્પર્ધા યોજવાની પહેલથી અનેક નવા ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે ઝળકી રહ્યા છે. આજથી શરૂ થનારી સાંસદ ખેલ સ્પર્ધામાં ૭ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહયાં છે. જે નિશ્ચિતપણે નવા ખેલાડીઓને બહાર લાવવા નિમિત્ત બનશે. દેશમાં યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા સરકાર દ્વારા સઘન પ્રયાસો કરાઈ રહયા છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ૧૧ માં ખેલમહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ૫૫ લાખ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેના સફળ આયોજન માટે તેમને ધન્યવાદ પણ પાઠવ્યા હતા અને આ ખેલમહાકુંભ નવા ખેલાડીઓને લાવવામાં નિમિત્ત બનશે તેમ જણાવ્યું હતું.
સાંસદ ખેલ સ્પર્ધાના કાર્યક્રમમાં જિલ્લાનાં રાષ્ટ્રીય-રાજ્ય ક્ષેત્રે જીત-મેડલ મેળવનારા રમતવીરોનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
ગૃહરાજ્ય મંત્રી શ્રી સંઘવીએ દાહોદ નગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ રાજ્યમાં તેમણે પ્રથમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરાવ્યો હોવાની જણાવી કાયદો અને વ્યવસ્થા બાબતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સાંસદ ખેલ સ્પર્ધા કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, વિધાનસભા દંડક શ્રી રમેશભાઈ કટારા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા, પૂર્વમંત્રી સુશ્રી ઉર્વશીદેવી, પૂર્વ ધારાસભ્ય શ્રી તુષારસિંહ, અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલા, શ્રી નરેન્દ્રભાઇ સોની, શ્રી કનૈયાલાલ કિશોરી સહિતના જનપ્રતિનિધિ શ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, પંચમહાલ રેન્જ આઈજી શ્રી ભરાડા, એસપી શ્રી બલરામ મીણા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ તેમજ ખેલાડીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.