મહેસાણા: યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકના અને ગાયકવાડ સરકાર વખતના તળાવની અવદશા સામે આવી

Rate this post

શક્તિપીઠ બહુચરાજી માં ગાયકવાડી તળાવની અવદશા

મંદિર હસ્તકના આ તળાવની ફરતે દુકાનો બંધાયેલી છે

દુકાનદારો આ તળાવમાં કચરો ફેંકતા તળાવની અવદશા

2 વખત આ તળાવના બ્યુટીફીકેશન માટે ગ્રાન્ટ આવી પણ પરત ગઈ

તંત્રની કામ કરવાની ઈચ્છા શક્તિ ના અભાવે તળાવની અવદશા

યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકના અને ગાયકવાડ સરકાર વખતના તળાવ ની અવદશા સામે આવી છે અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યું છે આ તળાવ.

શક્તિપીઠ બહુચરાજી એ સમગ્ર ગુજરાત માં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં માના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં માઇ ભક્તો માનાં દરબારમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા 5 વર્ષે થી પણ વધુના સમયથી યાત્રાધામ બહુચરાજી ના વિકાસને જાણે ગ્રહણ લાગી ગયું છે.

અનેક ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેકટ માટે ફાળવવામાં તો આવી પણ સ્થાનિક તંત્રના તે સમયના વહીવટકર્તા ની ઈચ્છા શક્તિના અભાવે સમય મર્યાદા પૂર્ણ થતાં પરત ફરી છે. બસ આવી જ પરિસ્થિતિ બહુચરાજી માતાજીના મંદિર પાસે અડી ને આવેલ અને ગાયકવાડ સરકારે બંધાવેલ અને હાલમાં મંદિર હસ્તકના તળાવની હાલત પણ બદતર થઈ છે.

એવું જાણવા મળી રહ્યું છે કે બે થી ત્રણ વાર આ ગાયકવાડી તળાવ ના બ્યુટીફીકેશન માટે ગ્રાન્ટ ફાળવવામાં તો આવી પણ તે સમયના વહીવટકર્તા ઓ ની નિષ્કાળજીનો ભોગ બની તળાવનું કોઈ નવું કામ શરૂ ના થયું પણ હા બે વાર ખાત મુહૂર્ત ચોક્કસ થયું. બહુચરાજી ના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા એવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કે બહુચરાજી ના વિકાસને ગ્રહણ લાગ્યું છે.

મંદિર હસ્તકના આ તળાવમાં બજારનો કચરો ઠલવાઇ રહ્યો છે. આ તળાવની ફરતે આવેલ દુકાનો ના વહેપારીઓ પણ આ તળાવમાં ગંદકી કરવામાં બાકાત ના ગણી શકાય. સ્થાનિક લોકો સાથે અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે આ તળાવમાં થતી ગંદકી અટકાવવામાં આવે તેમજ તેનો વિકાસ કાર્ય હાથ ધરાય. મંદિર હસ્તકના આ તળાવ મંદિર ની બિલકુલ પાસે હોવાથી મંદિરની ગરિમા પણ જળવાઈ રહી નથી ત્યારે તંત્ર દ્વારા હવે ક્યારે પ્રજા હિત માં તળાવનું બ્યુટીફીકેશન ક્યારે હાથ ધરાય છે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *