દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૫ જુને કેન્દ્ર સરકારના આંઠ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ યોજાશે
કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાશે
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વતૈયારી માટે બેઠક યોજાઇ
દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૫ જુન, બુધવારે કેન્દ્ર સરકારના આંઠ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાશે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વતૈયારી માટે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળ, સમય અને આયોજન બાબતે જરૂરી નિર્ણયો લેવાયા હતા.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ કાર્યક્રમનો ઉદ્દેશ વિશે જણાવી, કાર્યક્રમ અંગે જરૂરી સૂચનો કર્યા હતા. જે અંતર્ગત સરકારની ફલેગશીપ યોજનાઓના લાભ લાભાર્થી નાગરિકોને આપવા, કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ, વિવિધ યોજનાઓની માહિતી અપાશે. કલેક્ટરશ્રીએ વધુમાં વધુ નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે રીતનું આયોજન કરવા સૂચન કર્યું હતું. આ કાર્યક્રમ ઇન્દોર હાઇવે ઉપર આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ ૨ ખાતે સવારે ૧૦ વાગેથી યોજવાનું પ્રાથમિક તબક્કે નક્કી કરાયું છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી નેહા કુમારી, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાત, સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.