ભારે વરસાદની આગાહી: જાણો કયા જિલ્લામાં આવશે ભારે વરસાદ ?
સમગ્ર ગુજરાતમાં આજે સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ એટલે કે આજે પોરબંદર, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી આ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેથી આ વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, ડાંગ,અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છના છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
અન્ય જીલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવા થી મધ્યમ ઝાપટા પડી શકે છે. 9,10 અને 11 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 તારીખે ગીર સોમનાથ અને 11 તારીખે કચ્છમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને દ્રારકા સહિતના વિસ્તારોના ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય એવું લાગી રહ્યું છે. બીજી બાજુ નવસારી અને વલસાડના વિસ્તારો પણ પાણીથી જળબંબાકાર થઇ ગયા છે.
ભારે વરસાદના કારણે ગીર-સોમનાથના ખેરા ગામનો પુલ તૂટ્યો. ગામ અને સીમ વિસ્તારને જોડતો આ પુલ 2021માં જ બનાવાયો હતો. જો કે, પુલ તૂટતા સ્થાનિકોને ભારે હાલાકી થઇ રહી છે.