ગુજરાત માટે આગામી ચાર દિવસ ‘ભારે’: અતિભારે વરસાદની આગાહી

Rate this post

આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બીજી તરફ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત્ છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવકાર્ય કરી રહ્યું છે.

રાજ્યમાં મેઘમહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યારસુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે. 24 કલાકમાં 11 ઝૂંપડાં પણ બરબાદ થઈ ગયાં છે. અત્યારસુધી કુલ 272 પશુનાં વરસાદથી મૃત્યુ થયાં છે તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોનાં મૃત્યુ તેમજ વીજપોલ પડી જતાં એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જેમાંથી 468 નાગરિક ઘરે પરત ફર્યા છે.

રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે. ગત રાતથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *