ચાર કલાકમાં પાણી પાણી: ગીર સોમનાથમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય એમ વહેલી સવારથી વરસાદ વરસાવવાનું શરૂ કર્યું છે. જિલ્લાના છએ છ તાલુકામાં સવારે ચાર કલાકમાં સરેરાશ 1થી 3.5 ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડામાં 3.5 ઈંચ તો સૌથી ઓછો તાલાલામાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદી-નાળાંમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સુત્રાપાડા પંથકની સરસ્વતી નદીમાં પૂર આવતાં સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થનું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો સુત્રાપાડા અને કોડીનાર પંથકનાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલાં હોવાથી ખેડૂતોની મૂંઝવણ વધી ગઈ છે, જ્યારે સુત્રાપાડાના ધામળેજ ગામમાં પાણીનો ટાંકો જમીનમાં બેસી ગયો છે.
રાજ્યના હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં (Heavy rain forecast) આવી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ગત રાતથી જ સર્વત્ર અનરાધાર વરસાદની શરૂઆત થઈ હતી. સવારના 6 કલાકથી બપોરના 12 કલાક સુધીમાં ઉનામાં 14 મી.મી , કોડીનારમાં 119 મી.મી, ગીર ગઢડામાં 17 મી.મી, તાલાલામાં 14 મી.મી, વેરાવળમાં 100 મી.મી અને સુત્રાપાડામાં 138 મી.મી. વરસાદ પડ્યો હતો.
બીજી તરફ મેઘરાજાએ મન મૂકી હેત વરસાવતા ચારે બાજુ પાણી જોવા મળ્યા હતા. વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થયા હતા. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા પાણી દોડતા થયા હતા. જિલ્લામાં વરસાદી માહોલ ફૂલજોશમાં જામ્યો હતો. આમ તો જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.
ગતરાતથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ હતી. વરસાદ પડતા રસ્તા ઉપર પાણી દોડતા થયા હતા. ઉપરાંત ખેતરો સુત્રાપાડા પંથકમાં સવારથી બપોર સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો.
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે શેરીઓમાં પાણી દોડતા થયા હતા. ભારે વરસાદની આગાહીના કારણે એન.ડી. આર .એફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં 6 તાલુકામા કન્ટ્રોલરૂમ કાર્યરત છે. તેમજ જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલરૂમ કાર્યરત છે. જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમના નંબર 02876 – 285063, 285064 જાહેર કરાયા છે. વરસાદની આગાહીના કારણે જિલ્લા વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે.
ગીર જંગલમાં અને સુત્રાપાડા પંથકમાં બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે યાત્રાધામ પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવકને પગલે પૂર આવ્યું હતું, જેના પગલે આજે સવારે નદીના પટમાં આવેલું પ્રખ્યાત પ્રાચી તીર્થનું માધવરાયજી ભગવાનનું મંદિર નદીના પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આમ, નદીમાં આવેલા નવા નીરમાં માધવરાયજી પ્રભુ પાણીમાં જળમગ્ન થયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ સમયે સરસ્વતી નદીમાં પૂર આવે ત્યારે માધવરાયજીનું મંદિરના જળમગ્નનાં દૃશ્યો જોવા મળે છે. એવી જ રીતે ચાલુ વર્ષે સીઝનમાં પ્રથમવાર મંદિર જળમગ્ન થયું છે.