રાજ્યને આજે મળેલા રૂ.૨૧,૦૦૦ કરોડનાં વિકાસ પ્રકલ્પો ગુજરાતનાં વિકાસથી ભારતનાં વિકાસની પ્રતિબદ્ધતાને બળ આપશે: વડાપ્રધાનશ્રી

Rate this post

પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબો અને વંચિતો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે: ભાનુમતીબેન મકવાણા

પાટણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓને પ્રતીકરૂપે મકાનની ચાવી અર્પણ કરવામાં આવી

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ વિભાગના વિવિધ વિભાગના રૂ.૨૧,૦૦૦ કરોડથી વધુનાં પ્રકલ્પોનો શુભારંભ, ખાત મુહૂર્ત, અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ મુખ્યમંત્રી ‘માતૃશક્તિ યોજના’ અને તમામ આદિજાતિ તાલુકા માટે ‘પોષણ સુધા’ યોજનાનો શુભારંભ કરાવામાં આવ્યો. સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમનું પ્રસારણ લાઈવ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં 1 લાખ 41 હજાર આવાસો તથા જુદા-જુદા વિભાગો દ્વારા હાથ ધરાયેલ કલ્યાણકારી કામો અને યોજનાઓનું ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે પાટણમાં ‘’પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)’’ હેઠળ 2,850 આવાસોનું લોકાર્પણ/ગૃહપ્રવેશ અને શહેરી વિસ્તારના 75 આવાસોનું લોકાર્પણ/ગૃહપ્રવેશ કરવામાં આવ્યું. પાટણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતી બેન મકવાણાનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં કન્વેન્શન હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ નો લાભ મેળવેલ લાભાર્થીઓને પ્રતીક સ્વરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વડોદરાથી સમગ્ર રાજ્યને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેઓએ કહ્યું કે, આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે. આજે મે જગત જનની માં કાલીના આશીર્વાદ લીધા અને ગુજરાતની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. હું ખુશનસીબ છું કે મને માતા અને બહેનોની સેવા કરવાનો મોકો મળ્યો છે. વધુમાં વડાપ્રધાનશ્રીએ વડોદરાની વાત કરતાં કહ્યું કે, વડોદરા સંસ્કારની નગરી છે. આ શહેર તમામને તક આપે છે. આ શહેરે મને માની જેમ સાચવ્યો છે. આ સાથે જ રૂ.૮૦૦ કરોડની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરવા બદલ પ્રધાનમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ વડાપ્રધાનશ્રીનાં પ્રયાસોને બિરદાવતા કહ્યું હતું કે,પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને વંચિતો માટે આશીર્વાદ રુપ સાબિત થઇ રહી છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં છેલ્‍લા પાંચ વર્ષમાં ૧૩૮ર૪ થી વધુ આવાસો પૂર્ણ કરવામાં આવ્યાં છે. વધુમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રીએ ઉમેર્યું કે, રાજ્યોના ગરીબ પરિવારો સ્વાભિમાનપૂર્વક જીવે તેવી સરકારની નેમ રહી છે. તત્કાલિન મુખ્યંમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આરંભેલા સર્વાંગી વિકાસના ફળ વર્તમાન સરકારે છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડ્યા છે. રાજ્યને સામાજિક આર્થીક, અને શૈક્ષણિક એમ ત્રણેય ક્ષેત્રમાં સતત સૌના સાથ અને સૌના વિકાસથી સદા વિકાસની દિશામાં તેજ રફતારથી આગળ ધપાવવા સરકાર કટીબધ્‍ધ છે.

ચાણસ્માના ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરએ જણાવ્યું હતુ કે, નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારથી સામાન્ય માણસની ખૂબ ચિંતા કરતા. હવે વડાપ્રધાન બન્યાં ત્યારે પણ ગુજરાતને વિકાસ મોડેલ બનાવવાનાં પ્રયત્નો હરહંમેશ કરતા રહ્યાં છે અને એમાં સફળ પણ થયા છે. પહેલા મકાન બનાવવા માટે રાજ્યમાં રૂ.૫૫૦૦૦ની મદદ મળતી હતી અને આજે રૂ.૧,૫૨,૦૦૦ની સહાય મકાન બનાવવા માટે મળે છે.પાટણમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા પુર્વ મહામંત્રી કે.સી પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રીનાં પ્રયાસોથી આજે ગામડામાં ૨૪ કલાક વીજળી મળી રહી છે અને એવું કોઈ ગામ નથી કે જે રોડ રસ્તાથી જોડાયેલું ના હોય. આ બધુ જ વડાપ્રધાનશ્રીનાં પ્રયાસોથી શકય બન્યુ છે.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષશ્રી નંદાજી ઠાકોર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મનુજી ઠાકોર, શાસક પક્ષના નેતા શ્રી બાબુજી ઠાકોર, શહેર સંગઠનના પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેશ્વરી ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી રીટાબેન પંડ્યા સહિતના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *