પાટણ જિલ્લાની ૨૭૭ શાળામાં બાળકોએ મેળવ્યો પ્રવેશ
પાટણ જિલ્લામાં ત્રણ દિવસ માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો છે. આજે આ મહોત્સવના બીજા દિવસે સમગ્ર જિલ્લામાં ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે જિલ્લાની ૨૭૭ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓએ ભારે ઉત્સાહની સાથે પ્રવેશ કર્યો હતો.
શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે પાટણ જિલ્લાની શાળાઓમાં ૬૦૧૫ બાળકોએ ધોરણ-૧માં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આંગણવાડીના ૨૪૭૩ બાળકોને આંગણવાડી કેન્દ્રો પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે બાળકો સમયસર પહોંચી શકે તે માટે જિલ્લાની 20 શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કાર્યરત કરવામાં આવી. શાળા પ્રવેશોત્સવમાં ઊપસ્થિત અધિકારીશ્રીઓ અને પદાધિકોરીશ્રીઓએ શાળા કક્ષાએ એકમ કસોટી, ગુણોત્સવ 2.0, શાળાઓની ભૌતિક સુવિધા, કોરોના સમયગાળામાં શાળામાં થયેલ શૈક્ષણિક કામગીરી વગેરે બાબતોની સમીક્ષા કરી હતી, તદઉપરાંત કલ્સ્ટર રીવ્યુનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે દાતાશ્રીઓ દ્વારા બાળકો અને શાળાને વસ્તુરૂપે તેમજ રોકડ સ્વરૂપે રૂ,3292884નો લોક સહયોગ આપવામાં આવ્યો છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા ઉદબોદ્ધન આપવામાં આવ્યું હતું. શાળાના વાલીઓ તેમજ શિક્ષકોને આગ્રહ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ બાળક પ્રવેશ મેળવ્યા બાદ ગેરહાજર ના રહે તેનું ધ્યાન રાખવું. વાલીઓએ પણ તેમનું સંતાન સમયસર શાળાએ આવે છે કે કેમ તેની નોંધ લેવી.શિક્ષકો અને વાલીઓનાં સમન્વય થકી બાળકોનું શિક્ષણ અને સ્વાસ્થ્ય વધું સમૃદ્ધ થઈ શકે છે. યોગ્ય માર્ગદર્શન અને હૂંફથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.
બીજા દિવસના શાળા પ્રવેશોત્સવનાં કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ, તેમજ જિલ્લા કક્ષાએથી પ્રમુખશ્રી જિલ્લા પંચાયત પાટણ શ્રીમતી ભાનુમતી બેન મકવાણા, ધારાસભ્ય દિલીપકુમાર રાઠોડ, કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજયકુમાર પટેલ, સહિતના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.