સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સમયે સંકટની સંજીવની બની આયુષ્યમાન ભારત યોજના
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ જનતાનાં સ્વાસ્થ્ય માટે ચિંતિત રહેતાં હોય છે. જેથી પ્રજા કલ્યાણ અર્થે તેઓએ શરૂ કરેલી એક મહત્વની યોજના એટલે આયુષ્યમાન ભારત યોજના. આ યોજના થકી દેશના કરોડો લોકો સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી સમયે લાભ મેળવી રહયાં છે. ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરૂ કરવામાં આવેલી આ યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.
પાટણ જિલ્લામાં અનેક ગરીબ પરિવારોમાં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી સમયે આયુષ્યમાન યોજના થકી મુશ્કેલી દૂર થઈ ખુશીઓનું આગમન થયું છે. પાટણ જિલ્લામાં જૂન 2021 થી અત્યાર સુધીમાં કુલ 13,073 લાભાર્થીઓએ આયુષ્યમાન યોજના અંતર્ગત લાભ લીધો છે. જેમના સ્વાસ્થ્ય સંબંધિત પીડા દૂર કરવા સરકારે રૂ.39,99,33,716/- જેટલી ચૂકવણી કરી છે. જેમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીને લગતા દર્દીનો સમાવેશ થાય છે.
લાભાર્થી યોજનાનો લાભ કંઇ રીતે મેળવી શકશે :-
• બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થીની યાદીમાં હોવું જોઈએ
• આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે.
• હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે.
• આ યોજના અંતર્ગત ગરીબ-વંચિત જરૂરિયાતમંદ પરિવારને સરકાર રુ.5 લાખ સુધીની સહાય આપે છે.
આયુષ્યમાન કાર્ડ અંતર્ગત લાભ લઇ રહેલા પાટણનાં પ્રતિક ભાઇ પટેલ જણાવ્યુ હતું કે,” 30 વર્ષની નાની વયે મારી બન્ને કિડની ફેઇલ થઈ ગઇ છે. તેથી સમયાંતરે ડાયાલિસિસ માટે જવું પડે છે. પ્રતિ ડાયાલિસિસનો ખર્ચ અઢી થી ત્રણ હજાર થાય છે. પરંતું મારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી આ બધું જ નિઃશુલ્ક થઈ રહયું છે. મારો ઇલાજ પણ ખૂબ સારો ચાલતો હોવાથી હાલ મારી તબિયતમાં ખૂબ સુધારો જોવા મળી રહ્યો છે. સરકારશ્રીની આ યોજનાથી મને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. હું અને મારો પરિવાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરીએ છીએ.” જ્યારે પાટણનાં લાભાર્થી પિંકીબેન ઠાકોરે જણાવ્યું કે સરકારશ્રીનો આભાર વ્યકત કરીએ છીએ. “મને ડાયાલિસિસ સમયાંતરે કરાવવું પડે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આયુષ્યમાન કાર્ડ જેવી યોજના અમારાં જેવા જરૂરિયાતમંદ લોકો માટે લાવ્યા જેના કારણે નિઃશુલ્ક સારવાર લઈને મારા અને મારા પરિવાર પર આવેલી મુશ્કેલી દૂર થઈ શકી. હું સરકાર અને વડાપ્રધાનશ્રી ની આભારી છું કે તેમના થકી આજે નિઃશુલ્ક સારવાર થઈ રહી છે.