યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને કલેક્ટરશ્રી સુપ્રિત ગુલાટીનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
૨૧મી જૂને પાટણમાં ઉજવાશે ‘વિશ્વ યોગ દિવસ’
‘માનવતા માટે યોગ’ થીમ અંતર્ગત કરાશે ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી
પાટણ ખાતે આગામી તા.૨૧ જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાં જઇ રહી છે. જેની માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સીંગ ગુલાટીનાં અધ્યક્ષ સ્થાને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ વર્ષે ‘વિશ્વ યોગ દિવસ’ ની થીમ ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવી છે. જિલ્લાનાં તમામ તાલુકા,ગ્રામ્ય કક્ષાએ અને ગામડાઓ સુધી આ વર્ષે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે.
આગામી ૨૧મી જૂનનાં રોજ થનાર ઉજવણીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો સુંદર વાતાવરણમાં યોગ કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે જીલ્લાના તમામ વિભાગો સંકલન કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના આપી હતી. પાટણમાં જિલ્લા કક્ષાની યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ પી. કે કોટાવાલા કોલેજના ગ્રાઉન્ડ પર કરવામાં આવશે. તેમજ પાટણની ઓળખ એવી રાણકી વાવમાં પણ આ કાર્યક્રમ ઉજવાશે. જે માટે કલેક્ટરશ્રીએ સંલગ્ન અધિકારીશ્રીઓને સુચન કર્યું હતું.
૨૧મી જૂનનાં વિશ્વ યોગ દિવસનાં કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ LED મારફતે લાઈવ સંબોધન કરશે.દરેક તાલુકામાં ૧ સેન્ટર તેમજ નગરપાલિકાના ૧ સેન્ટર એમ મળીને કુલ ૧૪ સેન્ટર પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.જે માટે તાલુકા કક્ષા તથા નગરપાલિકા કક્ષાના કાર્યક્રમ સ્થળોએ યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગ કરાવે તેવા યોગ ટ્રેનરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યારે જિલ્લાકક્ષાએ થઈ રહી છે ત્યારે મુખ્ય સ્થળ ઉપર શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓને સહભાગી બનવા જીલ્લા કલેકટરશ્રી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. જીલ્લાના યોગ દિવસના કાર્યક્રમમાં ૧૯ જેટલી સંસ્થાઓ સહભાગી થશે. જીલ્લામાં કુલ 4000 હજાર થી વધુ લોકો યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે.
પ્રાચીન ભારતીય પરંપરા દ્રારા માનવજાતને અપાયેલી એક અમુલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાનાં ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી દ્રારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની વાત કરવામાં આવી હતી. જે બાદ ‘વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનાં ભાગરૂપે યોગ દિવસની ઉજવણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
યોગ દિવસની તૈયારીના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંહ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.બી.રાઠોડ તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.